મૂર્તિકાર ઘડવૈયો પથ્થરને કહે છે, ‘હું તારામાંથી ઠાકોરજીની મૂર્તિ ઘડીશ. દુનિયા તારી સામે શીશ ઝૂકાવશે અને તું વંદનીય બની જઈશ.’ શહીદનો પાળિયો થવાનું પસંદ કરતો પથ્થર જવાબ વાળે છે, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..!’
૨૫ જુને લોસ એન્જલસના યુસીએલએ મેડિકલ સેન્ટરની બહાર ભરબપોરે બે વાગ્યે કામધંધો પડતો મૂકીને ઉમટી પડેલી ભીડની આંખોનું કલ્પાંત, આવેશથી તૂટી જતાં અવાજો અને ડૂમો બાઝી ગયેલા ગળામાંથી નીકળતાં ડૂસકાં... પણ કરોડોના લાડકા ‘વેકો જેકો’ની આંખો હવે એ કશું જોવાની ન હતી. સાંજે પાંચ વાગ્યે તો દુનિયાભરના લોકોનો ઈન્ટરનેટ પર એવો ધસારો થયો કે ગૂગલનું નેટવર્ક ખોરવાઈ ગયું, સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ‘ટિ્વટર’ પર ગજા બહારના લોકો એક સાથે ઓનલાઈન થવા માંડતાં વેબનું તંત્ર જામ થઈ ગયું.
મોડી રાત સુધીમાં તો લોકોએ પોતાના લાડકા ગાયકને આજે મન ભરીને સાંભળી લેવા મ્યૂઝિક સ્ટોર પર એવો ધસારો કર્યોકે, ‘થ્રિલર’ આલ્બમ રાતોરાત ફરીથી મ્યૂઝિક ચાર્ટમાં ટોપ પર પહોંચી ગયું અને લોસ એન્જલસ, ન્યૂયોર્ક, શિકાગો જેવા શહેરોના મ્યૂઝિક સ્ટોર્સમાં તેનાં આલ્બમ્સના લિસ્ટ પર ‘અનઅવેલેબલ’ની ટેગ લાગી ગઈ. પણ એ બધાનો હવે કંઈ અર્થ હતો ખરો?
જેનાં પ્રત્યે લોકો આટલી ચાહના, આટલી ખેવના, આટલો ઈશ્ક અને આટલો યારાના વ્યકત કરી રહ્યા હતા, દિલ ફાડીને જેને સંભારી રાા હતા એ તો હંમેશને માટે આંખો મિંચીને શરીર ચિરાવા માટે મોર્ગરૂમમાં પડયો હતો અને તેની કેસ ફાઈલમાં લખ્યું હતું, ‘હાર્ટ એટેકથી મૃત્યુ. શકયત: પીડાશામક અને નશાકારક દવાઓનો ઓવરડોઝ કારણભૂત’.
જેણે કાયમ બેહિસાબ આનંદ આપ્યો, તોફાની રોમાંચ આપ્યો, રૂંવેરૂંવેથી ઊભરાતો આહ્લાદ આપ્યો એ પોતે એવી કઈ પીડા ભોગવતો હતો જેનાં છૂટકારા માટે તેણે આમ ઝેરના પારખા કરવા પડે? જેના ગળામાંથી નીકળતી એક હલક પર લાખો ચિચિયારીઓ ઘૂમી વળતી, જેની એક મુદ્રા પર લાખો ચાહકો કુરબાન થઈ જતાં એ માણસ અહીં ‘લાશ નંબર ૬૩-એ’ની આખરી ઓળખ સાથે પોસ્ટમોર્ટમની રાહ જોતો નિશ્ચેષ્ટ પડયો હતો. સેલિબ્રિટી હોવાની, કરોડો ચાહકોના માનીતા હોવાની, બેશૂમાર દોલત અને પ્રસિઘ્ધિ પામવાની શું એ સજા હતી?
વિવાદ અને માઈકલ જેકસન એકમેકના પર્યાય હતા. દોલત કમાવી અને દોલત ઊડાવવી એ માઈકલ જેકસનની ઓળખ હતી. આરોપ અને અદાલત સાથે માઈકલ જેકસનનો કાયમી સંબંધ હતો. અને તેમ છતાં ય દુનિયાભરના કરોડો સંગીતપ્રેમી હૈયાઓ પર તેની બાદશાહત બરકરાર રહી હતી. આખરી દિવસોમાં તેનું ડ્રીમ હોમ નેવરલેન્ડ વેચાઈ ગયું, ચહેરા પરની કત્રિમ સુંદરતાનો નકાબ બદસુરતીની વાસ્તવિકતા બનીને સામે આવી ગયો, અઢી હજાર એકરના ‘ઘર’માં રહેતો ‘કિંગ’ ભાડાના ઘરમાં રહીને - ઘરનું ભાડું ભરવા માટે ય ફાંફા મારતો થઈ ગયો.
પણ તોય, તેનાં ચાહકોને મન તો એ આજે ય કિંગ જ હતો, ધ કિંગ ઓફ પોપ! પણ આપણી નજરે જે પ્રસિઘ્ધિ હતી, જે સફળતા હતી તેની આકરી કિંમત જેકસન કારમી વ્યથા તરીકે ભોગવી રહ્યો હતો. અસ્તાચળે જઈ રહેલાં સૂર્યનો ભેંકાર પડછાયો સાંખી ન શકતા જેકસનને ઝળહળતા મઘ્યાહ્નની ભ્રમણામાં રહેવા માટે સતત નશાતૂર રહેવું પડતું હતું.
મોર્ફિન જેવો નશો કરાવતી દર્દશામક દવા (?) ડેમેરોલના રોજના બે ઈજેકશન તેને ઓછા પડતાં હતાં! એટલે તેણે ડાયલોવડિડ અને વિકોડિન નામની વધુ બે દવાઓ ઉમેરી. એક હટ્ટોકટ્ટો ઘોડો પણ આટલી નશાકારક દવાઓથી બેહોશ થઈ જાય. જયારે આ તો શરીરથી ભાંગી ગયેલો અને મનથી તૂટી ગયેલો જેકસન હતો. અંતે જે થવાનું હતું એ જ થયું... હદ સે ગુજર જાયે તો દવા ભી ઝહર હૈ યારોં. સૂર, સંગીત અને શબ્દ વડે સંમોહન રચીને સૌનો લાડકો બની ગયેલો વેકો જેકો કમનસીબે ઉર્દુ શાયરી ન્હોતો વાંચતો. નહિ તો કદાચે ય...
પણ પ્રસિઘ્ધિ અને તેનાં પગલે આવતી પીડાને બહુ પુરાણો સંબંધ છે. જેકસન જિંદગીભર જેનાં નકશેકદમ પર ચાલ્યો એ સંગીતના શહેનશાહ એલ્વિસ પ્રેસ્લીએ જ કદાચ જેકસનને અંતિમ કદમ આ દિશામાં ભરવા માટે પ્રેર્યોહશે. અપાર પ્રસિઘ્ધિ, અઢળક એશોઆરામ, એક ઝલક માત્રથી ટ્રાન્સમાં આવી જતી છોકરીઓ અને હિસ્ટેરિયાની હેલી બનીને વરસી પડતાં ચાહકો છતાં એલ્વિસ પ્રેસ્લીને અનિદ્રા સતાવતી હતી.
તબીબોની સલાહથી તેણે પ્લાસિડાયલ જેવા ટ્રાન્કિવલાઈઝર્સ લેવાના શરૂ કર્યા. પછી તો એમાં ઊઘ સાથે નશો ફ્રીમાં મળતો લાગ્યો એટલે દવાનો ડોઝ પણ વધતો ચાલ્યો. હવે એકલી દવા અસર કરતી ન હતી. એટલે તેણે એમાં હેકઝેલિન નામની નવી દવા ઉમેરી. પણ આ બે દવાના હાઈડોઝની એવી કાતિલ અસર થતી કે દિવસે પણ પ્રેસ્લીના ટાંટિયા ધ્રૂજતા રહેતાં. એટલે એણે તેનું મારણ પણ ડેકસેડ્રાઈન નામની નવી નશાકારક દવા તરીકે શોધી કાઢયું. સરવાળે એ જ થયું. કરોડો ચાહકો કલ્પાંત કરતાં રહ્યા અને સોહામણા સૂરનો માલિક માત્ર ૪૨ વર્ષની વયે તસવીર બનીને ભીંત પર લટકી ગયો.
એક આખી પેઢી પર આગના ભડકા જેવા લાલઘૂમ સૌંદર્યથી કામણ કરી ગયેલી સાક્ષાત વિનસ મેરેલિન મનરોનો કિસ્સો કયાં અજાણ્યો છે? સોનેરી ઝૂલ્ફાં, આંખોમાંથી સતત વહેતું માદક ઈજન અને મીણમાંથી સાંગોપાંગ ઘડી હોય એવી સુરેખ છતાં ભરચક, લપસણી છતાં ચૂંબકિય દેહયષ્ટિ ધરાવતી મનરોના ગાંડાતૂર ચાહકોમાં વિખ્યાત નાટયલેખક આર્થર મિલરથી માંડીને પ્રેસિડેન્ટ કેનેડી જેવા પ્રશિષ્ટ નામો સામેલ હતા. પણ કમનસીબી એ હતી કે, કરોડો ચાહકો ખુલ્લી આંખે જેનાં સપનાં જોતાં એ મનરોને પોતાને મબલખ સફળતા છતાં (કે કદાચ એટલે જ?) ભારોભાર એકલતા અને વ્યથાના ભાર હેઠળ ઊઘ આવતી ન હતી.
એ નેમ્બ્યુટાલ જેવી દવાના રવાડે ચડી ગઈ હતી. એમાં કલોરલ હાઈડ્રેટ જેવી બીજી દવાનું કોકટેલ પણ તેણે ઉમેર્યું. કેનેડી સાથેનો કંકાસ, આથમતી જતી સફળતા અને ઓલવાતો જતો રૂપનો દિવો.. વ્યથાનો આ વલોપાત કારણભૂત હોય કે કહેવાતા કાવતરાંનો અંજામ, પણ સત્તાવાર કોરોનરી રિપોર્ટ મુજબ આ દવાઓના વધુ પડતાં ડોઝને કારણે ૩૬ વર્ષની વયે જ આ ‘લિવિંગ વિનસે’ મોતની આગોશમાં મુકિત મેળવી લીધી.
આ કલોરલ હાઈડ્રેટ દવાએ હજુ બે જ વર્ષ પહેલાં ફરીથી એક રૂપસુંદરીનો ભોગ લીધો હતો. જી હા, એન્ના નિકોલ સ્મિથ. ‘પ્લેબોય’ની ‘સેકસ કિટન’ તરીકે વિખ્યાત થઈ ગયેલી એન્ના સાતમા આસમાન પર વિહરી રહી હતી. પરંતુ સફળતાની કિંમત તરીકે ચૂકવવી પડતી માનસિક શાંતિ અને સંતુષ્ટિનો ભોગ તેને એટલો અકારો લાગતો હતો કે તેણે એન્ટી ડિપ્રેશન્ટ ડ્રગ્ઝનો સહારો લેવો પડતો હતો. અંતે એ એક હોટેલના કમરામાં મૃત હાલતમાં મળી આવી. તેનાં મોત માટે જવાબદાર હતો સ્લિપિંગ પિલ્સનો ઓવરડોઝ.
શરાબની લતમાં જિંદગી ખુવાર કરી બેઠેલી મીનાકુમારી, ઊંઘની બેમર્યાદ દવાઓ લઈને સફળતાના મહેલ અને પ્રસિઘ્ધિના તખ્તોતાજની ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયેલા બેમિસાલ દિગ્દર્શક ગુરુદત્ત, સોડિયમ એમિટાલ જેવી દવા લઈને લાંબી સોડ તાણી ચૂકેલો આલ્ફ્રેડ હિચકોકનો માનીતો અભિનેતા રોબર્ટ વોકર.. યાદીમાં નામ તો અનેક છે. પણ એ દરેક કહાનીનું તારણ તો એક જ છે, અપાર પ્રસિઘ્ધિ, સફળતા છતાં અંગત જિંદગીની વ્યથા અને એકલતાની પીડા. સફળતા, લોકચાહના, પ્રસિઘ્ધિ કે પૈસો ખરેખર આટલાં ભ્રામક હોય તો બહેતર છે કે એ ન મળે. માઈકલ જેકસન બનવાની કિંમત ‘લાશ નંબર ૬૩-એ’ હોય તો એ તો બહુ મોંઘું કહેવાય.
__________________________________________________________________
visit us for grpahics / web / animation related services : www.rajdesigns.com
- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com
No comments:
Post a Comment